રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ગોંડલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતની અસર તરીકે શહેર પોલીસે ગુનાખોરી નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં ભર્યાં હતા.
જેના અનુસંધાને રાત્રે 10 વાગ્યા બાદ શહેરના પાનના ગલ્લા, ચાની કિટલી સહિત બજારો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરાતાં ગોંડલની સડકો પર સન્નાટો છવાઈ ગયો હતો.
શહેરના બન્ને ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બજાર વિસ્તારો તેમજ મુખ્ય રાજમાર્ગો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ મોડી રાત સુધી જાગતા બજાર વિસ્તારોમાં વહેલી તકે સુનકાર જોવા મળ્યો હતો.
ગોંડલના બસસ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંઠીયાની લારીઓ અને ગોલાની લારીઓ મોડી રાત સુધી ધમધમતી રહેતી હોય છે. ઉનાળાની ઋતુમાં આ લારીઓ પર લોકોની ભીડ રહેતી હોય છે, પરંતુ પોલીસની કડકાઈ બાદ આ વિસ્તારોમાં પણ રાત્રે વહેલી તકે શાંતિ જોવા મળી હતી.
પોલીસે ગુનાખોરીને ડામવા માટે રાત્રે 10 વાગ્યા બાદ ખાણીપીણીની લારીઓ સહિત બજારો બંધ રાખવા સૂચના આપતાં વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.
આ ઉપરાંત શહેરમાં લાંબા સમયથી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ટ્રાફિક મુદ્દે પણ કડકાઈ દાખવવામાં આવી હતી.
જેના પરિણામે આડેધડ પાર્ક કરાયેલા વાહનોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને અનેક સ્થળોએ વાહનો વ્યવસ્થિત પાર્કિંગમાં ઉભા રાખવામાં આવ્યા હતા. બજારો બંધ કરાવતાં ગોંડલ શહેરની મુખ્ય સડકો પર સુનકાર છવાયેલો જોવા મળ્યો હતો.