2006થી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારને ‘વર્લ્ડ કિડની ડે’ તરીકે ઉજવાય છે. આ વર્ષે વિશ્વ કિડની દિવસનું સ્લોગન શું તમારી કિડની તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડની બચાવો. આ તકે રાજકોટના ત્રણ સિનિયર યુરોલોજિસ્ટ ડો.વિવેક જોશી, ડો.જિતેન્દ્ર અમલાણી અને ડો.સંજય પંડ્યાએ જણાવી નાની કિડનીની મોટી વાત. સૌરાષ્ટ્રમાં કિડનીની પથરીનું પ્રમાણ પણ સવિશેષ છે. આ માટે ડાયાબિટીસ, બ્લડપ્રેસર અને બિનઆરોગ્યપદ જીવનશૈલી જવાબદાર છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં 13 થી 17 ટકા લોકોને થોડા ઘણા પ્રમાણમાં કિડનીની બીમારી હોય છે અને દર વર્ષે 2.40 લાખ નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂરત ઊભી થાય છે.
કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરેલા સર્વેક્ષણમાં ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા 1042 વિદ્યાર્થીમાંથી માત્ર 7 ટકા જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆરની તપાસ જરૂરી છે. 93 ટકા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય છે, પરંતુ 90% કરતા વધુ લોકો તેમના રોગો અંગે અજાણ છે. આ સંદર્ભે રાજકોટની જાણીતી કિડની એજ્યુકેશન વેબસાઈટ વિશ્વભરના લોકોને 40 ભાષામાં એટલે કે તેમની માતૃભાષામાં કિડની અંગે નિઃશુલ્ક સંપૂર્ણ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડૉ. સંજય પંડયા અને વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરેલા www. KidneyEducation.com વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે માહિતી 12 ભારતીય સહિત 40 ભાષામાં આપી છે. જે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં-વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત વેબસાઈટ છે.”તમારી કિડની બચાવો’ પુસ્તક દ્વારા 40 ભાષામાં કિડની રોગોથી બચવાની ખુબ જ ઉપયોગી માહિતી 9426933238 વ્હોટ્સએપ નંબર પરથી પર મેળવી શકાશે.