ધોરાજીના જીવાણી પરિવારના તબીબી દંપતી ડોક્ટર ભાવેશ જીવાણી અને ડેન્ટિસ્ટ ડોક્ટર કિનાબેન જીવાણીના પુત્ર અને બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડોક્ટર ડેવિન જીવાણીએ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાને નજરે નિહાળી હતી. તબિયત નરમ હોવાથી તેઓ જમવા નહીં જતા જીવ બચ્યો હતો. જોકે ધડાકો સાંભળી સ્થળ પર પહોંચ્યા બાદ તેઓએ ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા વાહનોની વ્યવસ્થા કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
‘દુર્ઘટના બની એ સ્થળ મારા કોલેજથી 500 મીટર જ દૂર છે’ ડો. ડેવિન જીવાણીએ આંખે દેખ્યો અહેવાલ વર્ણવ્યો હતો. જે નેસ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું, ત્યાં જમવા જતા ડેવિને તે ભયાવહ ક્ષણો યાદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું અમદાવાદની બી.જે. મેડિકલ હોસ્ટેલમાં રહુ છું. હોસ્ટેલથી લગભગ 500 મીટર દૂર બી.જે. મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવેલું છે, જ્યાં નિયમિત સવાર-સાંજ જમવા જતો હતો. આ જ બિલ્ડિંગ પર અમદાવાદથી લંડનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનના અનેક પેસેન્જરોના મોત થયા હતા. તેમજ મેસ બિલ્ડિંગમાં જમવા બેઠેલા કેટલાક ડોક્ટરો ઘાયલ થયા હતા. અને અમુક ડોક્ટરોએ જીવ પણ ગુમાવ્યા હતા.
ડોક્ટર ડેવિને જણાવ્યું હતું કે, આમ તો હું દરરોજ ત્યાં જમવા જતો હતો, પરંતુ બનાવના દિવસે થોડી તબિયત નરમ હોવાથી મેસ બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું હતું અને પોતાની હોસ્ટેલના રૂમમાં જ હતો. બ્લાસ્ટનો ભયાવહ અવાજ સાંભળીને પોતે બહાર દોડી આવ્યા હતા. જ્યાં જોયું કે તેમની સામે જ મેસ બિલ્ડિંગ સળગી રહ્યું હતું. તાત્કાલિક તેઓ મેસ બિલ્ડિંગ તરફ દોડી ગયા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે, વિમાન મેસ બિલ્ડિંગ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચારેબાજુ અફરાતફરીનો માહોલ હતો.
જ્યાં જુઓ ત્યાં મૃતદેહો અને ઘાયલોનો ઢગલો હતો વધુમાં તેમણે જણાવ્યું કે, થોડી ક્ષણો માટે મને પણ ડર લાગ્યો હતો, જ્યાં જુઓ ત્યાં મૃતદેહો અને ઘાયલોનો ઢગલો હતો. જોકે બાદમાં ટ્રોમા સેન્ટરમાં ઈજાગ્રસ્તોને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. દરમિયાન તાત્કાલિક ધોરાજીમાં પોતાના પરિવારજનોને મોબાઈલ પર આ ઘટનાની જાણ કરી અને પોતે હેમખેમ છે, કંઈ થયું નથી તેવી માહિતી આપીને તેમને નિશ્ચિંત કર્યા હતા. જોકે આ દુર્ઘટનામાં મારા બે ડોક્ટર મિત્રોના પણ મોત થયા હતા.