ધોરાજીમાં રહેતા રીઢા ગુનેગારના ઘરમાં વનસ્પતિજન્ય ગાંજો સંતાડવામાં આવ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે રાજકોટ એસઓજીએ નાર્કોટિક્સની તાલીમ પામેલા શ્વાન કેપ્ટોની મદદથી રહેણાંકમાં તલાશી શરૂ કરી હતી અને તેમાં કેપ્ટોએ બાથરૂમમાં સંતાડેલા 12 કિલો જથ્થાને શોધી આપ્યો હતો. જે કબજે લઇ એસઓજીએ આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.રાજકોટ રૂરલ પોલીસનાં એસ ઓ.જી ટીમનાં પીઆઈ એફ.એ.પારગીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમની ટીમે બાતમીના આધારે ધોરાજી નાં ખીજડા શેરીમાં આવેલા એક મકાનમાં ભાડે રહેતાં આરોપી શાહબાઝ હૂશેન દિલુભાઈના ઘરે દરોડો પાડ્યો હતો.
શરૂઆતમાં તો આરોપીએ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા પરંતુ કેપ્ટોએ અારોપીનો ભાંડાફોડ કરી નાખ્યો હતો અને બાથરૂમમાં સંતાડેલો ગાંજો ઝડપી લેવાયો હતો. એસઓજી ટીમે 12 કિલો વનસ્પતિજન્ય ગાંજો કે જેની કિંમત 1,20,060 થવા જાય છે તે તેમજ ફોન મળી 1,35,060નો મુદામાલ કબજે લઇ આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.