ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઇન્ડિયાને ગંભીર ચેતવણી આપતા કહ્યું છે કે જો ફ્લાઇટ કામગીરીમાં અનિયમિતતા ચાલુ રહેશે તો એરલાઇનનું લાઇસન્સ સસ્પેન્ડ અથવા પાછું પણ ખેંચી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાઇલટ ડ્યુટી શેડ્યૂલિંગ અને મોનિટરિંગમાં સતત અને ગંભીર ઉલ્લંઘનોને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
આ પહેલા શનિવારે DGCAના આદેશ પર એર ઈન્ડિયાએ 3 અધિકારીઓને હટાવ્યા હતા. તેમાં ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ ચુડા સિંઘ, ચીફ મેનેજર પિંકી મિત્તલ કે જેઓ ક્રૂ શેડ્યુલિંગ કરે છે અને પાયલ અરોરા જે ક્રૂ શેડ્યુલિંગના પ્લાનિંગમાં સામેલ છે.
ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી ત્રણ અધિકારીઓ સામે કરવામાં આવી હતી. DGCAએ એર ઇન્ડિયાને તાત્કાલિક અસરથી ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત ભૂમિકાઓમાંથી તેમને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું, જેમાં મુસાફરો સહિત કુલ 275 લોકોના મોત થયા હતા.