રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે ફરી ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પરની માર્વેલસ બેકરી અને પેડક રોડ પરની રાજ સેન્ડવીચમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડારૂપ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામા આવ્યો હતો. આ સિવાય માર્વેલસ બેકરી, બર્ગેરીટો ફાસ્ટફૂડ, અંજલિ રેસ્ટોરન્ટ અને જલારામ નમકીનમાંથી ફૂડ સેમ્પલ લેવાયા હતા તો ફૂડ લાયસન્સ વિના બિઝનેસ કરતા 16 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની સર્વેલન્સ ટીમ દ્વારા સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે આવેલ રઘુવીર પાર્કમાં માર્વેલસ બેકરીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બેકરી પ્રોડક્ટસનો જથ્થો એક્સપાયરી-પડતર વાસી મળી આવતા કુલ મળીને 60 કિલો બેકરી પ્રોડક્ટસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. વિશેષમાં પેઢીને સ્થળ પર યોગ્ય હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્યચીજો પરના લેબલ પર FSSA-2006 અન્વયે લેબલિંગ પ્રોવિઝન મુજબ વિગતો દર્શાવવા તેમજ પેઢીએ મેળવેલ ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ સ્થળ પરથી ડ્રાયફ્રૂટ કુકીઝનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ પર રાજ સેન્ડવિચ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતી ગયેલ ઠંડાપીણાંની બોટલ 10 લિટર તથા વાસી સેન્ડવિચ 500 ગ્રામનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.