RTE હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તાજેતરમાં જ રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઈ હેઠળ ત્રણ-ત્રણ રાઉન્ડ કરીને મોટી સંખ્યામાં બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાયો છે, પરંતુ તેમ છતાં હજુ પણ કેટલીક સીટો ખાલી હોવાથી ચોથો રાઉન્ડ કરવા વાલીઓમાં માંગ ઊઠી છે જેથી જે બાળકો વેઈટિંગમાં છે તેમને લાભ મળી શકે. RTE હેઠળ રાજકોટ શહેરમાં 4439 સીટ અને ગ્રામ્યમાં 2102 બેઠક ઉપર બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમ છતાં હજુ પણ કેટલીક સીટો ખાલી હોવાનું જાણવા મળ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ રાઉન્ડની કાર્યવાહી બાદ ઘણી બેઠકો ખાલી પડતી રહેતી હોવાથી ચોથા રાઉન્ડની કાર્યવાહી કરવા માંગ ઊઠી છે. ઉપરાંત સ્કૂલોમાં પ્રવેશની ફાળવણી બાદ ઘણા પ્રવેશ રદ થયા હોવાથી ખાલી પડેલી બેઠકો ઉપર પણ પ્રવેશ ફાળવવા માંગ થઇ રહી છે. આ ઉપરાંત RTEના પ્રવેશ ટ્રાન્સફર થવાના કિસ્સામાં પણ બેઠકો ખાલી પડતી હોવાનું સામે આવ્યું છે. ખાલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે જેથી બાકી રહી ગયેલા બાળકોને લાભ મળી શકે.
3 રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર ચોથા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવતી ન હોવાથી આ બેઠકો વિદ્યાર્થીઓના પ્રવેશ વગર ખાલી પડે છે અને તે બેઠકો પર સ્કૂલો ઊંચી ફી વસૂલી પ્રવેશ ફાળવતા હોય છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં સ્કૂલોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા બાદ ખોટા દસ્તાવેજો સહિતના કારણોસર પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તે બેઠકો પણ ખાલી પડતાં સ્કૂલો પોતાની રીતે ફી લઈને પ્રવેશ ફાળવાય છે.