વડોદરા અને સુરતના માંગરોળમાં બ્લાઈન્ડ સ્પોટ (અવાવરું જગ્યા) પર સગીરા પર થયેલી ગેંગરેપની ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. એક તરફ નવરાત્રિ ચાલી રહી છે અને બે સગીરા ગેંગરેપનો ભોગ બની છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમાં પોલીસે આવા 100 જેટલા બ્લાઈન્ડ સ્પોટ આઈડેન્ટીફાય કર્યા છે. જ્યારે રાજકોટમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને બ્લાઈન્ડ સ્પોટ નક્કી કરી પેટ્રોલિંગ વધારવા અને સ્ટાફ સાથે PCR વાન સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના બાદ પોલીસ ઊંઘી રહી હોય તેવું જાણવા મળ્યું છે. કારણ કે, પોલીસ પાસે બ્લાઈન્ડ સ્પોટનું લિસ્ટ જ નથી.
અમદાવાદ સેક્ટર 1 જેસીપી નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ કેટલાક સ્પોટ ઓળખવામાં આવ્યા છે. જ્યાં કોઈની વધારે અવરજવર ના હોય તથા અવાવરું જગ્યા હોય ત્યાં સ્થાનિક પોલીસ અને શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાક કેફે કે રેસ્ટોરન્ટ પણ અવવારું જગ્યાએ છે. ત્યાં પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.