રાજકોટમાં અગ્નિકાંડ છતાં લાંચના કિસ્સાઓ વધતાં મેયર સહિતનાં રાજીનામા માંગ્યા

રાજકોટની મહાભ્રષ્ટાચારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોની માંગણી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ( RMC) હવે જાણે રાજકોટ કરપ્શન કોર્પોરેશન બની ગયું હોય તે હદે કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ છે. લોકો હવે કોર્પોરેશનમાં પૈસા આપ્યા વિના કામ થશે નહીં તેવું માનવા લાગ્યા છે તે બાબત હકીકત પણ છે, તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસના નેતાઓએ રાજકોટ મહાનગરપાલિકાની તમામ ઓફિસો ઉપર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ અનિલ મારુને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, તો મેયર સહિતનાંનું રાજીનામું માંગ્યું હતું.

કોંગ્રેસનાં શહેર પ્રમુખ અતુલ રાજાણીના જણાવ્યાં પ્રમાણે, મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી.પી.દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ પણ રાજકોટમાં ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો રૂપિયા લાંચ પેટે વસૂલી રહ્યાં છે અને ભ્રષ્ટાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં પહોંચ્યું છે છતાં કોઈપણ પગલાં લેવાયા નથી. જાગૃત વિપક્ષ તરીકે આવી જાણ કરવા છતાં તંત્રવાહકોએ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કોઈ જ પગલાં લીધા નથી તે ગંભીર બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *