ધોરણ 10-12 પાસ છતાં રાજકોટ સહિત રાજ્યના 13 હજાર વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડની 23 જૂનથી શરૂ થનારી પૂરક પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજિત 1.97 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી રાજકોટ સહિત રાજ્યભરમાં 13 હજાર વિદ્યાર્થી એવા છે જેઓ ફેબ્રુઆરીમાં લેવાયેલી મુખ્ય પરીક્ષા પાસ કરવા છતાં વધુ ગુણ મેળવવાની આશામાં અથવા વધુ સારું પરિણામ મેળવવા માટે ફરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આમાંથી 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફક્ત ધોરણ 12 સાયન્સના હોવાનું જાણવા મળ્યું છે.

ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષાનું આયોજન કર્યું હતું. પરીક્ષા પહેલાં જ પૂરક પરીક્ષા માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 10મા અને 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બધા વિષયોની પરીક્ષા આપી શકશે, આવો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી પાસ થયો હોય તો પણ તે બધા વિષયોની પરીક્ષા આપી શકશે. મુખ્ય અને પૂરક પરીક્ષા બંનેમાંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તેને માન્ય ગણવામાં આવશે. ફેબ્રુઆરીની પરીક્ષાના પરિણામની જાહેરાત સાથે જ બોર્ડે જૂનમાં યોજાનારી પૂરક પરીક્ષાનું પણ ફોર્મ જાહેર કરી રજિસ્ટ્રેશન શરૂ કર્યા હતા.

રાજ્યભરમાંથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે રાજ્યમાં અંદાજિત 1.97 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આમાંથી 1.84 લાખ વિદ્યાર્થી એવા છે જેઓ ફેબ્રુઆરીમાં યોજાયેલી મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે. આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બચાવવા અને અભ્યાસ ચાલુ રાખવા અને બોર્ડનું પ્રમાણપત્ર મેળવવા પરીક્ષામાં બેસવાના છે. એવી જ રીતે 13 હજાર વિદ્યાર્થીઓ એવા છે જેમણે ફેબ્રુઆરીની પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ પૂરક પરીક્ષામાં બેસવા માગે છે જેથી તેઓ વધુ ગુણ મેળવી શકે, પરિણામ સુધારી શકે જેથી તેઓ અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *