રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાની ખાનગી શાળાઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની જગ્યા છેલ્લા ત્રણ માસથી ખાલી છે જેના કારણે સૌરાષ્ટ્રની 5000માંથી 400થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું છે ત્યારે ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે આજે એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાલીઓને લૂંટવાનું બંધ કરો અને વિદ્યાર્થીઓને ન્યાય કરો તેવા બેનર બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં ઉઘરાવવામાં આવતી બેફામ ફી પર અંકુશ લાવવા માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ચાર ઝોનમાં એફઆરસી કમિટી રાખવામા આવી હતી. જૉકે તેમા સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં ચેરમેન પી.જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરીના અંતમાં રાજીનામુ આપ્યા બાદ નવા ચેરમેનની હજુ સુધી નિમણૂક થઈ નથી. જેથી વિદ્યાર્થીઓ હાલ જે રીતે પુસ્તકો, યુનિફોર્મ અને હવે ફી મ પણ લૂંટાઈ રહ્યાં છે અત્યારે અમારી માંગણી છે કે સૌ પહેલા એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે અને જે શાળાઓ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી વધુ ફી મંજુર કરાવવામાં આવી છે તેની પણ સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામું આપી દેવામાં આવ્યાં બાદ છેલ્લા 3 માસથી ચેરમેનની નિમણુક ન થતા સૌરાષ્ટ્રની 5000 માંથી 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું છે. એક મહિના બાદ શાળાઓમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થશે અને ત્યાં સુધીમાં જો તે શાળાઓની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા માંગવામાં આવતી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે. જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર તાત્કાલિક ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણુક માંગ ઉઠી છે. વાલી મંડળ અને NSUI દ્વારા આ મામલે ધરણા અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અગાઉ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનની FRC કમિટીમાં છેલ્લા ત્રણ મહિનાથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ કમિટી દ્વારા ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવે છે પરંતુ આ કમિટી અને ખાનગી શાળા સંચાલકોની મીલીભગત હૉય હજુ સુધી આ નિમણૂક કરવામાં આવી નથી. જેથી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ લૂંટાવવું પડશે.