રાજકોટ શહેરની ખાનગી સ્કૂલોમાં DEOની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં એક અઠવાડિયાની અંદર 42 સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફાયર સેફ્ટીનો અભાવ, વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું, ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા વાલી-વિદ્યાર્થીઓને દબાણ કરવું સહિતના મુદ્દે 25 સ્કૂલને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો સ્કૂલો દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહિ આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.
આ મામલે માહિતી આપતા રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, વેકેશન-રજાના સમયે શૈક્ષણિક કાર્ય ચાલતું હોય, ફાયર એનઓસી ન હોય, ચોક્કસ દુકાનેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરતી હોય તે સહિતના મુદ્દે શહેરની સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક અઠવાડિયામાં 42 સ્કૂલની તપાસમાં 25 સ્કૂલમાં ખામી સામે તેને નોટિસ ફટકરવામાં આવી છે. આ 25 સ્કૂલ પાસે નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ તેમના સંચાલકોને હિયરીંગમાં બોલાવવામાં આવશે. જે બાદ સ્કૂલો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ-અલગ મુદ્દાઓને લઈને હજી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમની તપાસ ચાલી રહી છે.
સ્ટેશનરી અને ગણવેશ મામલે કેટલી સ્કૂલને નોટિશ ફટકારવામાં આવી તે મામલે દીક્ષિત પટેલે જણાવ્યું કે, આવા એક મુદ્દાને લઈને નોટિસ અપાઈ હોય તે કહેવું મુશ્કેલ છે. મોટા ભાગની સ્કૂલોમાં એક કરતા વધુ મુદ્દે નોટિસ આપવામાં આવી છે. અમારી જે ટીમ જતી હોય તે સામુહિક મુદ્દાને લઈને તપાસ માટે જતી હોય છે. તમામ મુદ્દાને આવરીને તપાસ કરવામાં આવે છે. પરંતુ 16થી 17 સ્કૂલ એવી પણ હશે જેને યુનિફોર્મ અને પાઠ્ય પુસ્તેક મામલે નોટિસ ફટકારાઈ હોય, પરંતુ એક મુદ્દે કેટલી સ્કૂલને નોટિસ અપાઈ તે કહેવું અત્યારે મુશ્કેલી છે.