શિક્ષણ વિભાગે જાહેર કરેલા દિવાળી વેકેશન પહેલાં જ શહેરની મોટાભાગની શાળાઓ શરૂ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદોના આધારે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ફરિયાદ કરી હતી. તેમ છતાં શાળાઓ ચાલુ જ રહેતા મંગળવારે સવારથી જ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો જુદી જુદી શાળાઓમાં પહોંચ્યા હતા અને ત્યાં શિક્ષણકાર્ય ચાલુ હોવાનું માલૂમ પડતા જ શાળાઓ બંધ કરાવી હતી. બીજી બાજુ વેકેશન પહેલાં જ જે શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે તેને નિયમભંગ ગણીને જિલ્લા શિક્ષણાધિકારીએ 10 જેટલી ખાનગી શાળાઓને નોટિસ પણ ફટકારી છે.
વિદ્યાર્થી સંગઠનના આગેવાન રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, DEOને ગઈકાલે પુરાવાઓ પણ આપ્યા હતા તેમ છતાં તેઓ દ્વારા કોઇ પણ જાતની એક્શન લેતા નથી એટલે અમારે આજે મેદાનમાં ઉતરવું પડે તે દુઃખદ છે. શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળાથી માહિતગાર કર્યા છે અને કડક એક્શન લેવા પણ કહ્યું છે જો DEO કોઇ જાતના પગલાં નહીં લે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કરી વિરોધ દર્શાવશું. વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમને દબાણ કરી બોલાવે છે જ્યારે શાળા સંચાલકોએ કહ્યું કે, અમે રિવિઝન માટે બાળકોને શાળાએ બોલાવીએ છીએ.