રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનાં ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે શહેરના રામાપીર ચોક પાસે અનઅધિકૃત રીતે ખડકાયેલ 5 માળની ઇમારતને બ્રેકર અને હથોડાથી તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આસપાસમાં રહેણાંક વિસ્તાર છે અને JCB પણ આ વિસ્તારમાં લાવવું શક્ય નહીં હોવાથી બ્રેકર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઈને આ કામગીરી આગામી 15થી 20 દિવસ સુધી ચાલશે.
અરજદારને નોટિસ ફટકારી છતાં બાંધકામ દૂર ન કર્યું પ્રાપ્ત વિગત મુજબ વેસ્ટ ઝોનના વોર્ડ નં-1માં રામાપીર ચોકથી નાણાવટી ચોક તરફ જતા 150 ફુટ રીંગ રોડ પાસે લાભદીપ સોસાયટીમાં આવેલ ભાવિકભાઇ પટેલ નામના અરજદારની આ કોમર્શિયલ ઇમારતનું બાંધકામ ગેરકાયદેસર રીતે ખડકાયાનું ખુલ્યું હતું. જેને લઈને મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અરજદારને નોટિસ ફટકારવામાં આવી હતી તેમછતાં આ અરજદાર દ્વારા કોઇ અનઅધિકૃત રીતે ખડકાયેલ આ બાંધકામ દૂર નહીં કરાતા આ ઇમારતના ગ્રાઉન્ડ ફલોર તેમજ પાંચ માળના અંદાજીત 20 હજાર ચો.ફુટનું બાંધકામ તોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
15-20 દિવસમાં મેન્યુઅલી બાંધકામ તોડી પડાશે રાજકોટ મહાનગરપાલિકાનાં એટીપી પ્રદીપ કંડોલિયાએ જણાવ્યું હતું કે, આ ગેરકાયદે બાંધકામને લાગૂ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી સ્થાનિક સલામતીના ભાગરૂપે લોકોની સેફટીને ધ્યાને લઇ આ બાંધકામને દૂર કરવાની કામગીરી મેન્યુઅલી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન ડિમોલીશનની આ કામગીરીમાં આસી. ઇજનેર, સર્વેયર, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગના કર્મચારીઓ જોડાયા છે. જોકે, અંદાજે 20,000 ચો.મી. જેટલું આ બાંધકામ મેન્યુઅલી તોડી પાડવામાં અંદાજે 15-20 દિવસ જેટલો સમય લાગે એવી શક્યતા છે.