શાપર-વેરાવળમાં નવું બસ સ્ટેશન બનાવવા કવાયત ચાલી રહી છે ત્યારે નેશનલ હાઇવે પર બસ સ્ટેશન બનાવવાની જગ્યા પર દબાણ ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા કોટડાસાંગાણી તાલુકા મામલતદાર તંત્ર દ્વારા બે સ્થળે ડિમોલિશનની કામગીરી હાથ ધરી બે ધાર્મિક દબાણ સહિત કુલ એક ડઝન જેટલા નાના-મોટા દબાણો દૂર કરી અંદાજે રૂ.15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. કોટડાસાંગાણી તાલુકા મામલતદાર જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર માધવ મહેતા અને સ્ટાફે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ નેશનલ હાઇવે પર શાપર-વેરાવળ ચોકડી પાસે બસ સ્ટેશન માટે પિકઅપ પોઇન્ટ બનાવવા અને બીઆરટીએસ માટે ફાળવવામાં આવનારી સરવે નં.494ની 500 ચો.મી. સરકારી જમીનમાં કોમર્સિયલ દબાણો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન પૂર્વે તાલુકા મામલતદાર જાડેજાએ નોટિસ આપી હોવાથી અડધા દબાણો સ્વયંભૂ દૂર થઇ ગયા હતા અને બાકીની ચા-પાનની કેબિનો, ગલ્લાઓ, ખાણીપીણીના ધંધાર્થીઓના દબાણો દૂર કરી રૂ.10 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ શાપર-વેરાવળના ઢોલરા રોડ પર આવેલી સરવે નં.141ની 2500 ચો.મી. સરકારી જમીનમાં ખડકાયેલા બે ધાર્મિક દબાણો મચ્છોમાનું દબાણ તથા એક સુરાપુરાની ડેરી તથા 4થી 5 ઓરડી ખડકાયાની હકીકત ધ્યાનમાં આવતા તેના પર બુલડોઝર ફેરવી દઇ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 5 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.