સંત શિરોમણિ જલારામબાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનાર સુરતના અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશદાસ સ્વામી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302 અને 356 હેઠળ ગુનો નોંધવા એડવોકેટ જયભારત આર.ધામેચાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.
આ ફરિયાદ અરજીમાં જણાવ્યા અનુસાર આ કામના આરોપી એક સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયમાં સાધુ તરીકે ચાલી આવતા હોય અને તેને સંત તરીકેની વરણી પણ કરેલી છે. સુરતમાં ચાલતી એક સત્સંગ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજના ધર્મગુરુ યાને સંત શિરોમણિ જલારામબાપા વિશે ખોટી બફાટ વાતો કરીને તેમના વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરેલ છે. આથી આ કામના આરોપીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઇએ. જેથી તેનું લાંછન સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાય પર ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ ન કરે.
સુરતમાં એક સત્સંગ સભા દરમિયાન આરોપી જ્ઞાનપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને ઉલ્લેખ કરેલ કે સંત જલારામ બાપાને અન્નક્ષેત્રની વાર્તામાં ગુણાતીતનંદ સ્વામીએ તેમના આશીર્વાદ આપેલા હતા અને જલાબાપા યાને જલારામબાપાને સારો એવો સંબંધ સાધુ સંત સાથે ચાલ્યો આવેલ છે. જેના કારણે આ બધા અન્નક્ષેત્રો ચાલી આવેલ છે.
આ કામના આરોપીએ ક્યાં શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને મિલાપનો કઇ જગ્યાએ ઉલ્લેખ છે અને જલાભગત વિશે થયેલી વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગો દોરવા પ્રયાસ કરેલ છે. તેમજ વધુમાં એવું જણાવેલ કે, ગુણાતીતનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અન્નક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ દરમિયાન ખોટી વાર્તાઓ કહીને રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે.