રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટ રેવન્યૂ બાર એસોસિએશને એઆઇજીઆરને આવેદનપત્ર પાઠવીને વિદેશથી આવતા લોકોને દસ્તાવેજ માટે તત્કાલ સ્લોટની સુવિધા આપવા તથા નવી જંત્રીના અમલીકરણ પહેલા સમય આપવા રજૂઆત કરી હતી.
રેવન્યૂ અંગે લોકોને સ્પર્શતા તેમજ દસ્તાવેજ ઓનલાઇન ડ્રાફ્ટિંગમાં ઊભી થતી મુશ્કેલી અંગે આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે ગરવી ગુજરાત સોફટવેરને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે હાલના સોફટવેરમાં વર્ષ-2025ની અગાઉના વર્ષની પીડીઇ એપ્લિકેશન કોપી થઇ શકતી ન હોય એક જ સરખા પ્રોજેક્ટના દસ્તાવેજમાં રિપિટેડ વર્કમાં હજારો માનવ કલાકો અને ઊર્જાનો બગાડ થાય છે તેથી દસ્તાવેજનું વેલ્યુએશન ઓટોમેટિક તૈયાર થવું જોઇએ. દસ્તાવેજની સ્કેન સાથેની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગે એસએમએસથી ખરીદનારને જાણ થવી જોઇએ. દસ્તાવેજની એપ્લિકેશનમાં કોપી સંપૂર્ણ વિગત સાથે થવી જોઇએ જેથી કરીને સરખી મિલકતની વિગતવાળા પ્રોજેક્ટના દસ્તાવેજમાં બિનજરૂરી માનવ કલાકને વ્યય થતી બચાવી શકાય.