રેલવેમાં એજન્ટ પ્રથા દૂર કરવા નિર્ણય!

રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકોને ટિકિટ મેળવવા માટે એજન્ટનો સહારો લેવો પડતો હોય છે અને એજન્ટ મોટા પ્રમાણમાં ટિકિટ બુક કરાવી મુસાફરોને આર્થિક રીતે લૂંટતા હોવાની વાત જગજાહેર છે, ત્યારે મુસાફરોના હિતમાં રેલવે તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને તા.1 જુલાઇથી પ્રથમ 30 મિનિટ તત્કાલ ટિકિટ માટે એજન્ટ બુકિંગ નહીં કરી શકે તેવો હુકમ કરવામાં આવતા એજન્ટ પ્રથા પર મોટો ફટકો પડશે.

રેલવે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી તા.1 જુલાઇથી IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલી તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે પ્રમાણિત વપરાશકર્તા માટે જ ઉપલબ્ધ રહેશે અને 15 જુલાઇથી ઓનલાઇન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત ઓટીપી પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવશે. કમ્પ્યૂટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલી તત્કાલ ટિકિટો માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર ઓટીપી પ્રમાણીકરણ મોકલવાની જરૂર પડશે. નિર્ણાયક શરૂઆતના સમયગાળા દરમિયાન જથ્થાબંધ બુકિંગને રોકવા માટે ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટોને બુકિંગ વિન્ડોની દિવસની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એસી વર્ગ માટે આ પ્રતિબંધ સવારે 10થી 10.30 સુધી અને નોનએસી માટે 11થી 11.30 સુધી લાગુ પડશે. આ ફેરફાર તત્કાલ બુકિંગમાં પારદર્શિતા લાવવા અને મુસાફરોના હિતાર્થે કરવામાં આવ્યા છે અને આ માટે ભારતીય રેલવે તંત્રએ CRIS અને IRCTCને જરૂરી સિસ્ટમ ફેરફારો કરવા અને તે મુજબ તમામ ઝોનલ રેલવે અને સંબંધિત વિભાગોને જાણ કરવા પણ તાકીદ કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *