દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને એડવોકેટ વિક્રમ ચૌધરી હાજર છે. ED વતી એએસજી એસવી રાજુએ દલીલો કરી હતી.
સિંઘવીએ કોર્ટમાં કહ્યું- લેવલ પ્લેઇંગને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેસ છે. એમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ લોકસભા ચૂંટણીનો સમાવેશ થાય છે, જે લોકશાહીનો એક ભાગ છે. એ આપણું મૂળભૂત માળખું બનાવે છે. કેજરીવાલની ધરપકડથી એ નિશ્ચિત થઈ ગયું છે કે તેઓ લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.
હું આ એટલા માટે કહી રહ્યો છું, કારણ કે પહેલો સમન્સ ઓક્ટોબર 2023ના રોજ મોકલવામાં આવ્યો હતો અને ધરપકડ 21 માર્ચે થઈ હતી. આ દ્વેષની નિશાની છે અને આપણા મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડે છે. હું અહીં રાજકારણની વાત નથી કરતો, પરંતુ કાયદાની વાત કરી રહ્યો છું. ધરપકડનો સમય સૂચવે છે કે એ ગેરબંધારણીય છે.
એના પર EDના વકીલ એએસજી રાજુએ કહ્યું- ધારો કે ચૂંટણીના 2 દિવસ પહેલાં કોઈ વ્યક્તિ હત્યા કરવાની કોશિશ કરે તો શું તેની ધરપકડ નહીં થાય? શું તેની ધરપકડથી મૂળભૂળ માળખાને નુકસાન થશે? તમે મર્ડર કરશો અને કહેશો કે મારી ધરપકડ કરી શકાશે નહીં, કારણ કે એનાથી મૂળભૂત માળખાને નુકસાન થશે.