શહેરમાં ભાવનગર રોડ પર પન્ના-મચ્છી ચોકમાંથી 24 દિવસ પહેલાં બેભાન હાલતમાં મળેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં થોડા ભાનમાં આવ્યા બાદ તેની સાથે મારકૂટ થયાનું રટણ કર્યું હોય અને સારવાર દરમિયાન મોત નીપજતા થોરાળા પોલીસે યુવકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ કરતા યુવકનું દારૂ પીવાની કુટેવ હોય અને પાંચ વર્ષ પહેલાં તેના માતા-પિતા અને પત્ની, પુત્રને જામનગર છોડી રાજકોટમાં રખડતું જીવન જીવતો હોય તેમજ ફોરેન્સિક રિપોર્ટમાં પણ યુવકના લિવર અને કિડની ફેલ થઇ જતા આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા.20-10ના રોજ કુબલિયાપરામાં યુવક બેભાન હાલતમાં પડ્યો હોય સેવાભાવી ફિરોઝભાઇએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં થોડા ભાનમાં આવ્યા બાદ તે યુવકે તેનું નામ ક્રિષ્ના માનસીંગભાઇ છત્રી (ઉ.25) હોવાનું અને કુબલિયાપરામાં રખડતું જીવન જીવતો હોવાનું જણાવ્યું હતું તે બીમાર જેવો લાગતો હોય તબીબી સારવાર બાદ ભાનમાં આવતા તેને કોઇ શખ્સોએ મારકૂટ કર્યાનું રટણ કરતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી હતી. સારવાર દરમિયાન ક્રિષ્નાનું મોત નીપજતા જમાદાર મહેશભાઇ સોલંકી સહિતે યુવકનાં મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં યુવકનું મોત કિડની અને લિવર ડેમેજ થતાં મોત થયાનું બહાર આવતા પોલીસે તેના પિતાનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.