કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો થયો છે. હવે તે 42%થી વધીને 46% થયો છે. તેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તે 1 જુલાઈથી લાગુ થશે.
શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.