રાજકોટના રેવન્યુ સરવે નં.626 પૈકીની જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચની કચેરી સામે આવેલી કિંમતી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાઇ ગયાની ચોંકાવનારી હકીકત જિલ્લા કલેક્ટરના ધ્યાન પર આવ્યા બાદ 23 દબાણકારને નોટિસ પાઠવવામાં આવી હતી. દરમિયાનમાં રહેણાક અને કોમર્સિયલ દબાણ ધરાવતી આ જમીનની હાલની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
પશ્ચિમ મામલતદાર તંત્રના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટના જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલી સરકારી જમીનમાં સંખ્યાબંધ કોમર્સિયલ અને રહેણાક દબાણો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા 23 દબાણકારને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેઓને જગ્યાની માલિકીના આધાર-પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી અને જો તેઓ જગ્યાના આધાર-પુરાવા રજૂ ન કરી શકે તો 24 કલાકમાં તંત્ર ડિમોલિશન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને તેમાં તમારો કોઇ સામાન હોય તો તે ખસેડી લેવો અન્યથા ડિમોલિશન દરમિયાન નુકસાન થાય તો જવાબદારી તમારી રહેશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી.