રાજકોટ શહેરમાં લોકોએ દિવાળીનાં તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જોકે આ ઉજવણી અમુક લોકો માટે મુશ્કેલરૂપ સાબીત થઇ હતી. કારણ કે, તા. 29 ઓક્ટોબરથી તા. 1 નવેમ્બર સુધીમાં 47 સ્થળે નાની-મોટી આગ લાગવાનાં બનાવ નોંધાયા હતા. જેમાં દિવાળીની રાત્રે 10 વાગ્યાથી બપોરના 12 સુધીમાં 18 બનાવ, અને બાકીના દિવસોમાં નાની-મોટી આગનાં કુલ 29 બનાવો નોંધાયા હતા. પરંતુ સદનસીબે આ પૈકીના કોઈપણ બનાવમાં જાનહાની થઈ નથી. ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને મોટું નુકશાન થતા અટકાવ્યું હતું. હાલ ઇમરજન્સી સ્ટાફને હટાવી લેવામાં આવ્યો છે. પણ સ્ટાફને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ મનપાના સ્ટેશન ઓફિસર સંજય મકવાણાનાં જણાવ્યા મુજબ, દિવાળીના તહેવાર નિમિતે રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશન ઉપરાંત અલગ વધારાના 5 ચોકમાં ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. અને હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ઇમરજન્સી કોલ એટેન્ડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને દિવાળીની રાતથી લઈને બીજા દિવસે રાત સુધી એકપણ સ્ટાફને રજા નહીં આપીને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી હતી. હવે આ ઇમરજન્સી ફાયર સ્ટેશન હટાવી લેવામાં આવ્યા છે.