રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક જ સરકારી કોલેજમાં 5 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા પ્રાધ્યાપકોની બદલીનો નિર્ણય કરાયો છે અને તેના માટે તા.10-5થી 22-5 સુધી કોજન્ટ પોર્ટલ પર મદદનીશ પ્રાધ્યાપકોની બદલી માટેની અરજીઓ મગાવવામાં આવી હતી અને હવે બદલીઓની મળેલી અરજીઓ પરથી અગ્રતાક્રમની આખરી યાદી જાહેર કરવામાં આવી છે અને સાથોસાથ ગાંધીનગર ખાતે સરકારી વાણિજ્ય કોલેજમાં આગામી તા.29 મેથી 3 જૂન સુધી બદલીનો કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
કોજન્ટ પોર્ટલ પર બદલી માટે 22 વિષયના 484 પ્રાધ્યાપકે અરજી કરી છે જેમની બદલી માટે વિવિધ તારીખો મુજબનો કાર્યક્રમ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ જાહેર કર્યો છે. એક જ સરકારી કોલેજમાં લાંબા સમયથી ચીટકી ગયેલા અને પોતાની મનમાની મુજબ ફરજ બજાવતા પ્રાધ્યાપકો દ્વારા આ બદલી કેમ્પમાં પોતાની બદલી ન થાય તે માટે હવાતિયાં મારવામાં આવી રહ્યા છે અને જો બદલી થાય તો પણ નજીકના સ્થળે બદલી કરાવી પોતાની જ કોલેજમાં વિશેષ જવાબદારી લઇ લેવાનો ખેલ નાખવા પણ કવાયત ચાલી રહી છે ત્યારે આ બદલી કેમ્પમાં આવા વગધારીઓને બદલવામાં આવે છે કે કેમ? તે આગામી દિવસોમાં બદલીની યાદી જાહેર થયા બાદ જ ખબર પડશે.