રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 24થી 28 ઓગસ્ટના 5 દિવસ દરમિયાન ધરોહર લોકમેળાનું આયજોન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં ઉમટી પડનારા લાખો લોકોની ભીડને મેનેજ કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત: રાજ્યભરમાં પ્રથમ વખત ભીડ વ્યવસ્થાપન અને નાસભાગ ટાળવા અંગેની તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં બિહાર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ફોર્મર વાઇસ ચાન્સેલર અનિલકુમાર સિંહાએ 2001માં ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપને યાદ કરી જે અનઅપેક્ષિત છે તે અપેક્ષિત છે તેવી આપત્તિ વ્યવસ્થાપન કરવાનું કહી વિકાસ એવો હોવો જોઈએ કે જે આપણને આફતથી બચાવે તેવું જણાવ્યું હતું. તો અન્ય તજજ્ઞ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના હેડ ઓફ ડિવિઝન સૂર્યપ્રકાશે ફાયર, પૂર-વાવાઝોડાને કંટ્રોલ કરવા એક મજબૂત ઇન્સીડેંટલ કો-ઓર્ડિનેશન સિસ્ટમ હોવી જોઈએ તેમ કહ્યું હતું. ભીડનું નિયમન, જનસમૂહના મેળાવડા નિયમન માટેની નીતિ, આયોજન, ભીડની લાક્ષણિકતાઓ તથા નિયમન અંગેના પડકારો, કેસ સ્ટડીઝ અને સાવચેતીના પગલાંઓ અંગેની તૈયારીઓ અંગે તાલિમ અપાઇ હતી.

લોકમેળામાં વિશાળ જનમેદની એકઠી થતી હોય છે ત્યારે આવા સ્થળ પર આપત્તિ કે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. આ સમયે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ડિઝાસ્ટર સંબંધિત કૌશલ્ય તાલીમ મેળવેલી હોય તો પૂર્વ આયોજન થકી આવી ઘટનાઓને બનતા પહેલાં જ રોકી શકાય તથા જાનહાની ટાળી શકાય. આ ઉદ્દેશ સાથે ભારત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હીના તજજ્ઞો દ્વારા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનનું માર્ગદર્શન તેમજ તાલીમ આપવા માટે તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *