શહેરની ભાગોળે માલિયાસણ નજીકથી પોલીસે રૂ.59 લાખની કિંમતના દારૂ ભરેલી ટ્રક સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો કર્ણાટકથી ટ્રકમાં ભર્યો હતો અને મોરબી તરફ જતો હતો. પોલીસે દારૂ મગાવનારની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રકમાં દારૂનો મોટો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલિયા સહિતની ટીમે માલિયાસણ નજીક વોચ ગોઠવી હતી. નિયત નંબરવાળી ટ્રક પસાર થતાં જ પોલીસે તેને અટકાવી હતી. ટ્રકના પાછળના ભાગે તાડપત્રી બાંધી હતી. તાડપત્રી હટાવતાં જ અલગ અલગ પેટીઓ મળી હતી અને પેટીમાંથી પોલીસને રૂ.59,29,920ની કિંમતનો 16727 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, રોકડા રૂ.1530 અને મોબાઇલ સહિત કુલ રૂ.69,37,050નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના રડવા ગામના પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત (ઉ.વ.34)ની ધરપકડ કરી હતી. ડ્રાઇવર પુરખસિંહે કબૂલાત આપી હતી કે, દારૂનો જથ્થો કર્ણાટકથી ભર્યો હતો, ત્યારબાદ વોટ્સએપ કોલ પર તેને સૂચના મળતી હતી અને સૂચનાઓ પરથી તે ગુજરાતથી રાજકોટના માલિયાસણ સુધી પહોંચ્યો હતો. મોરબી તરફ જવાની તેને સૂચના મળી હતી, પરંતુ કઇ જગ્યાએ દારૂ ઉતારવાનો હતો તે અંગે હજુ સુધી કંઇ કહેવાયું નહોતું, જે નંબર પરથી ફોન આવતા હતા તે નંબર પરથી પોલીસે બૂટલેગરની ઓળખ સ્પષ્ટ કરવાની કવાયત શરૂ કરી હતી.