ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી ઉપર આજે જજ વૈભવી નાણાવટીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલ તરીકે એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોર્ટે પક્ષકારોને હાલ કોઇ નોટિસ આપી નથી. અરજદાર અર્જુનસિંહ ગોહિલ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજદારના એડવોકેટ સુધાંશુ ઝા કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમજ કોર્ટમાં એક ACP અને PI પણ ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ વાઘેલા બહાર હોવાથી સુધાંશુ ઝાએ રજૂઆત કરી હતી.જેમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, જાહેરનામા બાદ ક્ષત્રિય સમાજે કોઈ રેલી કરી નથી. સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે, તમે મંજૂરી કયાં માગી? આથી અરજદારના વકીલે કહ્યું હતું કે, શું લોકશાહીમાં રેલીમાં મારો ઓપિનિયન વ્યક્ત કરવાનો હક્ક નહીં? સામે સરકારી વકીલે જવાબ આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગંભીર બનાવો બન્યા છે.
રાજપૂત સમાજ વતી હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અરજદારના બંધારણીય હક્કોનો ભંગ થઈ રહ્યો છે, બંધારણના આર્ટિકલ 19 અને 21 નો ભંગ થઈ રહ્યો છે. અરજદારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના 16 એપ્રિલ, 2024ના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યું છે. પોલીસ કમિશનરે અન્ય કોઈની રેલી અને સભામાં કાળા વાવટા, બેનર અને સૂત્રોચ્ચાર રોકવા આચારસંહિતાના અમલ દરમિયાન તેના ઓઠા હેઠળ અમદાવાદ શહેર માટે Crpc 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડ્યું છે. રાજપૂત સમાજ શાંતિથી દેખાવો કરી રહ્યો છે. અત્યારસુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. દેખાવથી જાહેર જનતાને પણ અગવડ પડી નથી.