રાજકોટના આજી વસાહતમાં આવેલા રવિ મેટલ ટ્રીટમેન્ટ પાસેથી પુનાની અર્નવ એન્જિનિયર્સ નામની પેઢીના પ્રોપરાઇટર વૈશાલી વિનોદ શિંદેએ સંબંધના દાવે ઉછીના લીધેલા રૂ.2 કરોડ પૈકી રૂ.1.67 કરોડ પરત ન કરતાં તેના વિરુદ્ધ 11 ચેક રિટર્નના અલગ-અલગ 11 કેસ કરવામાં આવ્યા હતા. જે કેસ ચાલી જતા અદાલતે વૈશાલી શિંદેને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં દોઢ-દોઢ વર્ષ મુજબ કુલ સાડા સોળ વર્ષની સજા અને ફરિયાદીને એક માસમાં રૂ.1.67 કરોડ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. તેમજ એક માસમાં વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો દરેક કેસમાં વધુ 6-6 માસની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, આજી વસાહતમાં આવેલા રવિ મેટલ ટ્રીટમેન્ટના રમેશભાઇ રાચ્છ દ્વારા મહારાષ્ટ્રના નાશિક રોડ પર પુના ખાતે આવેલી અર્નવ એન્જિનિયર્સના નામે પેઢી ચલાવતા વૈશાલી શિંદે સામે રાજકોટની કોર્ટમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલ કે, ફરિયાદી પેઢી આરોપી પેઢી પાસે માલ ખરીદતી હોય એ રીતે સંબંધ અસ્તિત્વમાં આવેલો હતો. દરમિયાનમાં આરોપીની પેઢીને રૂ.2 કરોડની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદીની પેઢીએ 2015 અને 2016માં બેન્ક ટુ બેન્ક આરટીજીએસ મારફત રૂ.2 કરોડ ટ્રાન્સફર આપ્યા હતા. તેમાંથી આરોપીએ રૂ.3 લાખ પરત કરી બાકીની રૂ.1.97 કરોડ અન્વયે પ્રોમિસરી નોટ તથા લેણી રકમનો કરાર લખી આપી કુલ 14 ચેક આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં ફરિયાદીએ નોટિસ આપ્યા બાદ અદાલતમાં 14 કેસ દાખલ કર્યા હતા અને ચાલુ ટ્રાયલ દરમિયાન તકરાર ઉઠાવી કુલ 28 રિવિઝન દાખલ કરી હતી.
આ કાનૂની જંગ દરમિયાન આરોપીએ રૂ.30 લાખ ચૂકવી આપ્યા હતા જ્યારે બાકીના રૂ.1.67 કરોડ ન ચૂકવતા તે અંગે 11 કેસ અદાલતમાં ચાલ્યા હતા. જેમાં ફરિયાદીના વકીલ સુરેશ ફળદુએ એવી રજૂઆતો કરવામાં આવી હતી કે બેન્ક ટુ બેન્ક રકમ આપ્યાનું રેકર્ડ પર પુરવાર થયેલ છે. તેને ફરિયાદીની ઊલટ તપાસથી તેમજ આરોપીના બચાવનાસાક્ષીની ઊલટ તપાસથી સમર્થન મળેલ છે.