તા. 25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. આ અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ફેબ્રિકેશન કામ કરનાર મહેશ રાઠોડે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. મહેશ રાઠોડની જામીન અરજીમાં વિસ્તૃત દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યા બાદ પાંચ દિવસે અદાલતે હુકમ આપી જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે રોહિત વિગોરાએ 250 પાનાની જામીન અરજી દાખલ કરેલ હતી. જે સંદર્ભે ગઈકાલે સાંજ સુધી બંને પક્ષે આખરી દલીલો ચાલેલ હતી અને આજરોજ અદાલતે તેનો પણ ચુકાદો આપી જામીન અરજી ફગાવી દીધી છે.
અન્ય બનાવમા રાજકોટમાં અવારનવાર બેકાબુ સિટી બસ અકસ્માત સર્જે છે, ત્યારે શહેરમાં સિટી બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. માધાપર ચોકડી પાસે સીટી બસે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી વૃદ્ધને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જે બાદ વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માત સર્જતા સિટી બસ ચાલક સામે પગલા લેવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.