રાજકોટના જલારામનગરમાં રહેતા દંપતી વચ્ચે વૈવાહિક તકરારને કારણે માતા તેના સગીર પુત્રને લઇને પિયર ચાલ્યા ગયા હતા. જેથી પિતાએ સગીર પુત્રનો કબજો મેળવવા રાજકોટની ફેમિલી કોર્ટમાં અરજી કરતાં કોર્ટ દ્વારા સગીર પુત્રનો કાયમી કબજો પિતાને સોંપવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, જલારામનગરમાં રહેતા દંપતીના સને 2018માં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન 2019માં સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થઇ હતી, પરંતુ ત્યારબાદ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય 2020માં માતા સગીર પુત્રને લઇને પોતાના પિયર ચાલી ગઇ હતી. તેમજ પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ અલગ-અલગ કાયદા હેઠળ અનેક કેસો કર્યા હતા. આ કેસમાં સમાધાન બાદ સગીર પુત્ર સાથે માતા ફરી પોતાના પતિ સાથે રહેવા આવી હતી, પરંતુ થોડા દિવસમાં સમાધાન નિષ્ફળ જતા બન્ને પાછા અલગ થઇ ગયા હતા.
જેથી સગીર પુત્રની કાયમી કસ્ટડી મેળવવા માટે પિતાએ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટ દ્વારા સામાવાળા એટલે કે સગીરની માતાને નોટિસ કરતાં તેઓ વકીલ સાથે કોર્ટમા હાજર થયા હતા અને અરજદારની અરજી સામે વિગતવાર વાંધા જવાબ રજૂ કર્યા હતા.
ત્યારબાદ પિતાએ સગીર પુત્રને મળવા માટે કોર્ટમાં વચગાળાની અરજી કરી હતી. જેમાં કોર્ટ દ્વારા પિતાને સગીર પુત્રને દર મહિનાના પહેલા શનિવારે ફેમિલી કોર્ટની પ્રિમાઇસીસમાં બપોરે 3.30થી 5.30 વાગ્યા દરમિયાન મળી શકશે તેવો વચગાળાનો હુકમ કર્યો હતો.
ત્યારબાદ કેસ ચાલવા ઉપર આવતા અરજદારના વકીલ હર્ષિલ શાહ દ્વારા થયેલી ઊલટ તપાસમાં માતાએ સગીર પુત્ર સોંપી આપવા કબૂલ રાખ્યું હતું. સમગ્ર પુરાવાઓ તથા રેકર્ડ અને બન્ને પક્ષકારો તરફેની દલીલોને ધ્યાનમાં લઇ ફેમિલી કોર્ટ દ્વારા સગીર પુત્રનો કાયમી કબજો અરજદાર પિતાને સોંપી આપવાનો આખરી હુકમ કરવામાં આવ્યો હતો.