રાજકોટ શહેરની બ્લુ પેક નામની પેઢી પાસેથી ખરીદ કરેલા કપડાની ચૂકવણી પેટે આપેલો રૂ.1.08 કરોડનો ચેક પરત ફરવાના કેસમાં અદાલતે મહાદેવ એન્ટરપ્રાઇઝના સંચાલકને બે વર્ષની સજા અને વ્યાજ સહિત દંડ કોર્ટમાં જમા કરાવવાનો અને ચેકની રકમ રૂપિયા 1.08 કરોડ 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
રાજકોટ શહેરની જાણીતી બ્લુ ટેક નામથી ચાલતી હોલસેલર કપડાની પેઢી પાસેથી મહાદેવ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર વેપારી પૃથ્વી સંજયભાઈ સોલંકીએ રેડીમેડ ગારમેન્ટસની ખરીદી કરી હતી. તે રકમ ચૂકવવા 1,08,76,357નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે બ્લુ પેક પેઢી વતી અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
અદાલતે મહાદેવ એન્ટરપ્રાઈઝના નામથી ચાલતી પેઢીના પ્રોપ્રાઈટર પૃથ્વી સોલંકીને મુદત હરોળમાં હાજર થવાનો આદેશ ફરમાવેલો હતો. પરંતુ કોર્ટમાં હાજર થયા બાદની તારીખોમાં ગેરહાજર રહી પૃથ્વી સોલંકી સતત નાસતા-ફરતા હોય કોર્ટ દ્વારા બિનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરાતાં કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જેમાં ફરિયાદી દ્વારા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અંદાજે 50થી પણ વધુ પુરાવાઓ રાખ્યા હતા. આરોપી સામે કેસ આગળ ચાલવા દરમિયાન દરિયાદ પક્ષ દ્વારા આરોપી પક્ષ સંપૂર્ણ રકમ ભરપાઈ કરી આપવા બંધાયેલ છે અને સમયસર રકમ ન આપવા બદલ વધારાનો ખર્ચ તેમજ વ્યાજ આપવા પણ આરોપીપક્ષ બંધાયેલ છે. તે પ્રકારની દલીલો અને તે દલીલના સમર્થનમાં વિવિધ હાઈકોર્ટના ચૂકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા.