રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સમીર મધુકાંત શાહ અને શ્યામ મધુકાંત શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરૂરિયાત ઊભી થવાથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા કે જેમાં બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે તે સહિતની બેન્કમાંથી સી.સી. વ્યવહાર હેઠળ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની રૂ.21.25 કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી. જેની સામે સમીર અને શ્યામ શાહે રૂ.80 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ ચાલી જતા અદાલતે રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને તકસીરવાન ઠરાવીને ચેકની રકમના નિર્ધારિત કરેલ 14.80 ટકા પ્રમાણે કુલ 6 માસનું વ્યાજ આશરે રૂ.6 લાખ અને ખર્ચ પેટે રૂ.3 લાખ મળીને કુલ રૂ.9 લાખ હુકમની તારીખથી દિવસ-60માં કમ્પાઉન્ડિંગ ચાર્જના વળતર પેટે ચૂકવી આપવાનો તેમજ રૂ.2 લાખ ડીએલએસએ રાજકોટ ખાતે જમા કરાવવાનો કોર્ટે હુકમ કર્યો છે. તેમજ 90 દિવસમાં કમ્પાઉન્ડિંગ સહિતની રકમ ચૂકવે નહીં તો આરોપીને એક વર્ષની સાદી કેદ અને દંડ ચૂકવવા હુકમ કર્યો છે.