બાળકોમાં વધતા જતા મોબાઈલ વળગણ અને આક્રમક વર્તનને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાન ભવન પહેલ કરવા જઈ રહ્યું છે. બાળકોનું ઘડતર શાળાથી શરૂ થાય છે અને ત્યાંથી એમને એક નવી દિશા મળે છે પણ ઘણી વખત બાળકને યોગ્ય કાઉન્સેલિંગ અને સમજણની જરૂરિયાત ઊભી થતી હોય છે. અમરેલીમાં બની એવી ઘટનાઓ, નાના બાળકોની થતી આત્મહત્યા, ઓનલાઈન ગેમિંગનું વળગણ અને અન્ય માનસિક સમસ્યાઓનું નિવારણ લાવવું ખૂબ જરૂરી બની ગયું છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ શાળાઓના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીગણોને MOU માટે આવકારે છે. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરી શકે અને તેમને માનસિક સમસ્યાઓમાંથી બહાર કાઢી શકે.
આ પ્રકારના MOU દ્વારા ઘણા ફાયદાઓ થઇ શકે જેમ કે બન્ને સંસ્થાના વિકાસ તેમજ વિદ્યાર્થીઓના વિકાસ અને પ્રગતિ માટે નવા દ્વાર ખૂલશે, શાળા લેવલથી જ માનસિક જાગૃતિ લાવવાથી સમાજમાં પરિવર્તનની શરૂઆત થશે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની તકો વધી જશે, વિદ્યાર્થીઓને થતી કોઈપણ મુશ્કેલીઓને આપણે જળમૂળથી પરિવર્તન લાવવાના કે સુધાર લાવવાના પ્રયત્નો કરી શકીશું, સમાજમાં વધતા આત્મહત્યાના બનાવોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, શાળા સાથેના આ સહિયારા પ્રયત્નથી બાળકને નિષેધક દિશાથી પાછા વાળવાના પ્રયત્ન કરી શકીશું. જે શાળાના આચાર્યો કે ટ્રસ્ટી આ પ્રકારનું ભગીરથ કાર્ય કરવા ઈચ્છતા હોય તેઓ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો.યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ.ધારા દોશીનો સંપર્ક કરી શકે છે.