રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર સતત યથાવત્ રહ્યો છે. આજે કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. આજના નવા કેસો સાથે રાજકોટમાં અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ વધુ સતર્ક થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ તેમજ ટ્રેસિંગ જેવી કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 19 નવા કેસ નોંધાવાને કારણે સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને પણ સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલોમાં પૂરતા બેડ-સાધનો ઉપલબ્ધ રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ વ્યાપક બનાવવામાં આવી છે. શંકાસ્પદ કેસોના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પર નિયમિત નજર રાખવામાં આવી રહી છે અને તેમને જરૂરી તબીબી સલાહ-સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે પૂરતા બેડ અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.