રાજકોટ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં પ્રતિદિન વધારો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે શનિવારે વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાતાં શહેરમાં કુલ કેસનો આંકડો 32 પર પહોંચી ગયો છે, જોકે રાહતની વાત એ છે કે અત્યારસુધીમાં કુલ 4 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે હાલ 28 દર્દી સારવાર હેઠળ છે, પણ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની તબિયત સ્થિર છે અને કોઈપણ દર્દી ગંભીર હાલતમાં ન હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આજના 8 નવા કેસમાં 4 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે, જે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી નોંધાયા છે. આ સતત વધારો રાજકોટવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, તેમ છતાં આરોગ્યતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતર્કતાથી કામ કરી રહ્યું છે.
રાજ્યમાં ગઈકાલે 68 કેસ નોંધાયા, 11 હોસ્પિટલમાં દાખલ સમગ્ર રાજ્યમાં 30 મેના રોજ 68 પોઝિટિવ કેસ નોંધાતાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. હાલ જે એક્ટિવ કેસ છે, એમાં 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 254 દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 26 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.