શહેર ભાજપ પ્રમુખપદના નામની ચર્ચા માટે સંકલન મળી

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે શહેર ભાજપના 29 આગેવાને દાવેદારી કરી હતી. આ તમામ નામોની ચર્ચા કરવા રવિવારે સંકલનની બેઠક મળી હતી. સોમવારે આ તમામ નામો પર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે સમીક્ષા થશે અને ગુરુવાર સુધીમાં પ્રમુખની જાહેરાત થઇ જશે.

રાજ્યસભાના સાંસદ મયંક નાયકની અધ્યક્ષતામાં રવિવારે સવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, પ્રદેશ આગેવાન ડો.ભરત બોઘરા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે જોડાયા હતા.

જે 29 આગેવાને દાવેદારી કરી છે તેમાંથી મુખ્ય ચાર પાંચ નામોની થોડીવાર માટે ચર્ચા થઇ હતી. અન્ય દાવેદારોએ માત્ર પોતાનું અસ્તિત્વ બતાવવા અથવા તો કોઇના ઇશારે ચોક્કસ હેતુથી ફોર્મ ભર્યા હોય આવા અનેક દાવેદારોના નામ શુધ્ધા સંકલનમાં ચર્ચાયા નહોતા. સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ આગેવાનોની હાજરીમાં તમામ નામોની ચર્ચા થશે અને મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના આગેવાનો દિલ્હી જશે. બુધવાર અથવા તો ગુરુવાર રાત સુધીમાં પ્રમુખના નામની જાહેરાત થઇ જશે તેવું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *