રાજકોટની RKC સ્કૂલમાં કો-એજ્યુકેશનનો વિવાદ હવે વકર્યો છે. રાજવીકાળની સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ આ મામલે રાજવી માંધાતાસિંહજીને રજૂઆત કર્યા બાદ આજે વાલીઓએ પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી અને વર્ષો જૂની પરંપરા મુજબ ચાલતી આ સ્કૂલમાં ધોરણ-4થી 10માં કો-એજ્યુકેશન શરૂ કરવાનો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આ બોર્ડનો નિર્ણય હોવાથી બદલાશે નહીં. જેને લઈને હવે વાલીઓ ફાઉન્ડરની મદદ માંગશે.
155 વર્ષથી ચાલતી સ્કૂલમાં કો-એજ્યુકેશન શરૂ નહીં કરવા અપીલ પ્રાપ્ત વિગત મુજબ રાજકુમાર સ્કૂલમાં 155 વર્ષથી ધો. 4 થી 10માં દીકરીઓ અને દીકરાઓને અલગ-અલગ ક્લાસમાં ભણાવવામાં આવતા હતા. તેના સ્થાને હવે વર્ષ 2025-26 એટલે કે નવા શૈક્ષણિક સત્રથી કો-એજ્યુ. દાખલ કરવાના નિર્ણય સામે વાલીઓની લડત સમિતિ રચાઈ છે. જેના આગેવાન રાજકોટનાં ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા અને રાજસમઢીયાળાના સરપંચ અને સરકાર સહકારી મંડળી પ્રમુખ હરદેવસિંહ જાડેજા છે. અગાઉ આ મુદ્દે રાજવી માંધાતાસિંહજીને રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે વાલીઓને સાથે રાખીને પ્રિન્સિપાલને રજૂઆત કરાઈ હતી. જેમાં વર્ષો જૂની પરંપરા મુજબ ચાલતી સ્કૂલમાં ધોરણ-4થી 10માં કો-એજ્યુકેશન શરૂ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી.