સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આજે 59મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્ટ ગેલેરીમાં કુલપતી-કુલસચિવની હાજરીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફમાં 25 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા 42 કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. જોકે આ વખતે જેમના પર યુનિવર્સિટીનો સમગ્ર વહીવટ નિર્ભર છે તેવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું સન્માન કરવાનું યુનિવર્સિટી ભૂલી ગઈ.
હાલ અહીં અંદાજે 500માંથી 347 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાકટ આધારીત છે. જ્યારે 153 જેટલા કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ સમયે કોન્ટ્રાક્ટ કર્મચારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને એક પણ રજા મળતી નથી અને રજા મૂકે તો પગાર કપાય. આ કર્મચારીઓનો મહિને 16,000 પગાર છે. જ્યારે PF અને ESIC કપાતા દર મહિને હાથમાં રૂ. 12,000 આવે છે. જેનાથી આ કર્મચારીઓનો જીવન નિર્વાહ ચલાવવો અશક્ય છે. આ ઉપરાંત કોઈ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેમને કોઈ પણ પ્રકારની સહાય પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 25 વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા મનીષાબેન દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના 59મા સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ કે જેઓ દ્વારા ફરજના 25 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમનું સન્માન થઇ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. હું વર્ષ 2000થી આ યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહી છું. દેવતાઓને પણ સ્તુતિ પ્રિય હોય છે ત્યારે આ પ્રકારનું કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું પણ સન્માન થાય તો અમને પણ ગમે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમારો પગાર છેલ્લા 8 વર્ષથી વધ્યો નથી તે વાસ્તવિકતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ નવા કર્મચારીઓ જે કામ કરવા માટે આવે તેમનો પગાર 16,000 આસપાસ છે અને અમે 25 વર્ષથી અહીં કામ કરી રહ્યા છીએ ત્યારે અમારો પગાર પણ એટલો જ છે.