વાવડીમાં 12 ઉદ્યોગકારોના બાંધકામ પ્લાન અટકી ગયા

રાજકોટની ભાગોળે વાવડી ખાતે ઔદ્યોગિક હેતુ માટે સરકારે 12 જેટલા ઉદ્યોગકારોને જમીન ફાળવી દીધા બાદ જમીનના નકશામાં ક્ષતિ હોય મહાનગરપાલિકા દ્વારા આ જમીન પર પ્લાન મંજૂર ન કરાતાં આ ઉદ્યોગકારોની રૂ.8 કરોડની રકમ સલવાઇ જવા પામી છે.

ઉદ્યોગ વિકાસ મંડળના પ્રમુખની આગેવાની હેઠળ ધ્રુવન પાનસુરિયા, વસંત કાછડિયા, પરસોતમ પાનસુરિયા, જીજ્ઞેશ શેરડિયા સહિતના 12 જેટલા ઉદ્યોગકારો ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ નજીકના વાવડીમાં સરકારી ખરાબાના સર્વે નં.149 પૈકી ટીપી સ્કીમ નં.14ના ફાઇનલ પ્લોટ નં.33/1ના પ્લોટિંગ એરિયાની કુલ 8172 ચો.મી. જમીન રાજ્ય સરકાર અને કલેક્ટર તંત્ર દ્વારા ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી છે. જેમાં અગાઉ 22 પ્લોટની ફાળવણી બાદ વધુ 12 ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.

આ પ્લોટ માટે ઉદ્યોગકારોએ રૂ.8 કરોડ ભરીને દસ્તાવેજો કરાવ્યા છે. પરંતુ 2005ના જમીનના નકશામાં ક્ષતિ હોય મહાનગરપાલિકા દ્વારા સવા વર્ષથી બાંધકામની મંજૂરી અપાતી નથી. જો બાંધકામના પ્લાન તાકીદે મજૂર કરવામાં નહીં આવે તો સદસ્યો પાસે સનદ અને કબજા પહોંચ હોવાથી પ્લાન પાસ કરાવ્યા વગર જ બાંધકામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *