વર્ષ-2013માં બે મિત્રો વચ્ચે રૂ.2 લાખની ઉઘરાણી બાબતે થયેલા વિવાદમાં સમાધાન કરવા દબાણ કરી રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયેલા બજરંગવાડી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ફિરોઝબીન અહેમદબીન આરબને ખાસ અદાલતના જજ વી.બી.ગોહિલે 1 વર્ષની જેલની સજા અને રૂ.5 હજારનો દંડ ફરમાવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી પ્રફુલભાઇ પંડ્યાએ તેમના મિત્ર રવિભાઇ કોટકને રૂ.2 લાખ મિત્રતાના દાવે ઉછીના આપ્યા હતા. આ રકમની ઉઘરાણી કરતા રવિ કોટકે કોન્સ્ટેબલ ફિરોઝબીન આરબનો સંપર્ક કરી ફરિયાદી પ્રફુલભાઇ વિરુધ્ધ ખોટી અરજી દાખલ કરી હતી. આ અરજીના આધારે કોન્સ્ટેબલ ફિરોઝબીન આરબે ફરિયાદીને ધરાર સમાધાન કરાવ્યું હતું અને રૂ.15 હજારની લાંચની માગણી કરેલી હતી અને જો સમાધાન ન કરે તો તેમના વિરુધ્ધ બીજી ફરિયાદની ધમકી આપી હતી.
આથી ફરિયાદી પ્રફુલભાઇ પંડયાએ એસીબીમાં ફરિયાદ કરતા તા.11-5-2013ના રોજ ગોઠવાયેલા છટકામાં આરોપી ફીરોઝબીન આરબ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આ કેસ ચાલી જતા આરોપી ફીરોઝબીન વતી એવો બચાવ લેવામાં આવ્યો હતો કે રૂ.15 હજાર બજરંગવાડી પોલીસ ચોકીની બહાર સ્વીકારાયેલ છે કે પોલીસ ચોકીની સામે પાનની દુકાને સ્વીકારાયેલ છે તે બાબતે વિરોધાભાષ છે તેનો લાભ આરોપીને મળવો જોઇએ. જેની સામે સરકારી વકીલ એસ.કે.વોરાએ એવી દલીલો કરી હતી કે બચાવપક્ષે આ લાંચની રકમ સ્વીકારેલ છે તેવી હકીકત જ્યાં સુધી ના સાબિત થાય ત્યાં સુધી લાંચ સ્વીકાર્યાના સ્થળ અંગે વિરોધાભાષનું કોઇ મહત્વ નથી. લાંચની રકમ સ્વીકાર્યાનો પુરાવો અખંડ અને સુપ્રીમ કહેવાય જેના સમર્થનમાં બીજા કોઇ પુરાવાની જરૂર રહેતી નથી. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઇ સેશન્સ જજ વી.બી.ગોહિલે આરોપી કોન્સ્ટેબલ ફિરોઝબીન આરબને તકસીરવાન ઠરાવીને 1 વર્ષની જેલની સજા અને રૂ.5 હજાર દંડનો હુકમ કર્યો હતો.