સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે કુલપતિની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક મળી હતી. જેમાં સ્પોર્ટ્સને લગતા જુદા જુદા મુદ્દાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ રહી હતી કે, હાલ યુનિવર્સિટીના જુદા જુદા લાખેણા મેદાનોનો ઉપયોગ કરતાં મેન્ટેનન્સ ખર્ચ વધુ આવે છે તેથી તેમાં ઘટાડો કરવા માટે આગામી દિવસોમાં ખાનગી શાળા-કોલેજોને અન્ય સંસ્થાને ભાડે આપી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા વર્ષમાં ખેલાડીઓને આપવાના ટ્રેકશૂટ, શૂઝ સહિતની બાબતે ચર્ચા કરી હતી.
સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના ભવનો તથા સંલગ્ન કોલેજોમાં રેગ્યુલર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તેમજ અન્ય શહેરીજનો અને આર્મી કે પોલીસ ભરતી માટે એથ્લેટિક ગ્રાઉન્ડમાં રનિંગની પ્રેક્ટિસ કરવા આવતા લોકો પાસે દર માસે ફી પેટે રકમ નક્કી કરવા વિચારણા કરી. આ ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ જુદી જુદી રમતગમતની સભ્ય ફી તથા ભાડાની રકમ સોફ્ટવેર દ્વારા ઓનલાઇન અંગે વિચારણા કરી હતી. 2025-26ના વર્ષ માટે આંતર યુનિવર્સિટીની સ્પર્ધાઓમાં ભાગ લેવા જનાર ટીમનાં ખેલાડી-કોચ મેનેજર દર વર્ષે ડ્રેસ અને ટ્રેકશૂટ માટેનું બજેટ, આંતર-કોલેજ-આંતર યુનિવર્સિટીના બજેટમાં અંદાજિત ખર્ચની રકમ રૂપિયા 36,75,000ની મંજૂરી આપવા વિચારણા કરાઈ હતી.
જુદા જુદા ગ્રાઉન્ડ તથા સ્વિમિંગ પૂલમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત હોય છે, પાણીની કાયમી ધોરણે વ્યવસ્થા થાય તે અંગે વિચારણા કરાઈ હતી. આંતર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા સ્પર્ધાનું યજમાન પદ અને આયોજનની મંજૂરી આપવા તેમજ અલગ બજેટ ફાળવવા ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત જુદી જુદી રમતોમાં કોચની નિયુક્તિ અને તેના પગારધોરણ નક્કી કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.