રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ-પ્લોટની સંખ્યામાં ઘટાડા સહિતના અનેક તકેદારીના પગલા લેવાયા છે અને હવે લોકમેળાના ખર્ચને પહોંચી વળવા નવી કવાયત શરૂ કરાઇ છે અને તેના ભાગરૂપે મોંઘવારીને ધ્યાનમાં રાખી સ્ટોલ અને પ્લોટના ભાડામાં વધારો કરવા વિચારણા કરવામાં આવી છે.
રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે નવો લે-આઉટ પ્લાન તૈયાર કરવા જિલ્લા કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે અને તે પ્લાન હજુ સુધી તૈયાર થયો નથી ત્યારે લોકમેળાના આયોજન માટે ખૂબ જ ઓછો સમય હોય તંત્ર માટે ફોર્મનું વિતરણ જેટલું મોડું થશે તેટલો તૈયારી માટેનો સમય ઓછો મળશે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હજુ સુધી સ્ટોલ અને પ્લોટના ભાડા બાબતે નિર્ણય ન લેવાતા ફોર્મનું વિતરણ આગામી સપ્તાહના આખરી દિવસોમાં શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
સિટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે લે-આઉટ પ્લાન બનીને આવ્યા બાદ ભાડા વધારા અંગે નિર્ણય કરાશે અને ત્યારબાદ ફોર્મ વિતરણ શરૂ કરાશે. આ કામ ભાડા નક્કી કરવા રચાયેલી કમિટી દ્વારા કરવામાં આવશે. આગામી સપ્તાહમાં ફોર્મ વિતરણ શરૂ કરવાનું અમારું આયોજન છે.