રાજકોટમાં કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધર્મનું પ્રતિક મૂકી છેલ્લા 10 વર્ષથી ડિવાઇડર બનાવી દેવામાં આવતા વાહન ચાલકોને કાલાવડ રોડ અન્ડર બ્રિજથી કોટેચા ચોક સુધી લાંબુ થવું પડે છે. જેથી કોંગ્રેસના કાર્યકરોએ માગ કરી હતી કે, ધર્મનું પ્રતિક અને ડિવાઈડર હટાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રહ્યા છીએ અને પંદર દિવસનો સમય આપીએ છીએ ત્યારબાદ પણ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો અમે જાતે દબાણ દૂર કરશું.
રાજકોટમાં કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનના પ્રમુખ કલ્પેશ કુંડલીયાએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ ઉપરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે ધર્મના નામે પ્રતિકૃતિ મુકવામાં આવી છે. તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એ પ્રતિકૃતિ એ જગ્યાએ મૂકવામાં આવી છે કે જ્યાંથી દરરોજ લાખો લોકો અવર-જવર કરે છે. ધર્મની પ્રતિકૃતિની બાજુમાં ડિવાઇડર મૂકી દેવામાં આવ્યું છે જેને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. છે તાકીદની અસરથી હટાવી વાહનચાલકોને અવરજવર માટે જગ્યા મળે તેવી અમારી માંગણી છે.