રાજકોટના કોઠારિયા રોડ ઉપર રણુજા મંદિર પાસે સરકારી ખરાબામાં આવેલા 150 લોકોના ઝૂંપડા 20મી જૂન સુધીમાં ખાલી કરાવવા માટેની તાલુકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવતાં તેમની તરફેણમાં આજે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ હલ્લાબોલ કરવામા આવ્યો હતો અને તેમની માંગ હતી કે, પહેલાં રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામા આવે તે બાદ જ ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે અન્યથા જલદ આંદોલન કરવામા આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, કોઠારીયા સર્વે નંબર-352 પૈકીમાં એક સરકારી ખરાબો જે જંગલ વિસ્તારમાં આવેલો છે. જ્યા 150 જેટલાં ગરીબ પરિવારો પોતાના ઝૂપડા બાંધીને રહે છે. જ્યા પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી અને લાઈટની સગવડ પણ નથી. તેઓ દિવાના અજવાળે ભોજન કરે છે. આધુનિક યુગમાં ગરીબ પરિવારો આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરે છે. આ દરમિયાન તાલુકા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે, આ ઝુંપડા તાત્કાલિક ખાલી કરવામાં આવે. જોકે, અમારી અધિક કલેકટર સમક્ષ એવી રજૂઆત હતી કે, આ ઝુંપડાઓ ખાલી કરાવવામાં ન આવે.