રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસનો વિરોધ

રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે (15 જૂન) કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. ​​​​​​​સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે. જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહિ દેવામાં આવે તે આગામી 25 જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.

આ તકે કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર વ્યક્તિના આત્માની શાંતિ તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 જૂને રાજકો5 બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પક્ષા-પક્ષીઓ છોડીને માનવતાની ખાતર આ બંધમાં જોડાવા બે હાથ જોડી વિનંતી છે. ગુજરાતમાં આવા અનેક વિકટીમોને ન્યાય નથી મળતો, ત્યારે આ માનવતાની લડાઈમાં સૌ સાથ આપો તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભાજપ સરકાર ઉપર ભરોસો નથી. અગાઉના મોરબી તક્ષશિલા અને હરણી સહિતના કાંડમાં ભારતીય જનતા પાર્ટીએ એકપણ પીડિતને ન્યાય આપ્યો નથી. ત્યારે જ્યાં સુધી નોનકરપ્ટ અધિકારીઓને તપાસમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રાખવામાં આવશે. આજે પોલીસ કમિશનરને આ માટે રજૂઆત કરવાની સાથે પીડિતો માટે રૂ. 1 કરોડનું વળતર તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં 1 વર્ષમાં ચુકાદો આવે તે રીતે આ કેસ ચલાવવા સહિતની માંગ કરાઈ છે. અમારી માંગો અંગે સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવે તો 25 જૂને રાજકોટની જનતાને સાથે જોડી બંધ પાળવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *