રાજકોટ – જેતપુર સિકસ લેન હાઈવેના રૂ.1204 કરોડના 67 કિલોમીટરનુ કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર જવા માગતા લોકોને 4 કલાક જેટલો સમય થાય છે. જેનું કારણ એ છે કે અહીં સિક્સ લેન કામને કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. જેમાં પણ વરસાદ દરમિયાન રસ્તાઓમાં ખાડાને લીધે અકસ્માતો થાય છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓના મૃત્યુ થયાની પણ ઘટનાઓ બની છે ત્યારે અહીંથી દરરોજ પસાર થતા સૌરાષ્ટ્રના અંદાજે અઢી લાખ જેટલા લોકોની સમસ્યાને લઈને આજે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી સિક્સલેન રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ હતી તો સાથે જ રોડ નહીં તો ટોલ નહીં તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીના પૂતળાનું દહન પણ કરાયું હતું.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ- જેતપુર સીક્સ લેન રોડનું નિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. જોકે તેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંદાજે રૂપિયા 1200 કરોડનો પ્રોજેક્ટ છે. જોકે અહીં ફ્લાય ઓવર બ્રીજના કામો થઈ રહ્યા હોવાને કારણે માથાના દુખાવારૂપ ટ્રાફિક જામ સર્જાય છે. જેના લીધે રાજકોટથી જેતપુર પહોંચતા ત્રણથી ચાર કલાક જેટલો સમય થાય છે. તેને કારણે અકસ્માતો પણ સર્જાય છે અને એમ્બ્યુલન્સ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓના મૃત્યુ થયાના કિસ્સાઓ બની રહ્યા છે.