રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં વિવિધ મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે લોકોને અને તંત્રને જગાડવા તેમજ ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટે યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આ ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂ. 51,000, દ્વિતીય સ્પર્ધકને રૂ. 21,000 અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને રૂ. 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ-રસ્તા સહિત હવે સ્મશાનનાં લાકડાંમાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે. આવા મુદ્દે જાહેર જીવનમાં આક્ષેપબાજી થતી હોય છે. પરંતુ યૂથ કોંગ્રેસ તેમજ NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય તેના માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.