કોંગ્રેસ 2 દિવસ ભાજપના ગઢમાં!

ગુજરાતમાં બે દિવસ માટે કોંગ્રેસનું મહાઅધિવેશન મંગળવાર અને બુધવારે યોજાઇ રહ્યું છે. આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઇ ગયેલી ભાજપ સરકારના મૂળિયા હલાવવા માટે એક નવી રણનીતિ લઇને આવશે અને આ રણનીતિ ભાજપ મોડલની જ પ્રતિકૃતિ સમાન હશે. તેમાં સૌથી મોટી બાબત ઉમેદવારોની ચયન પ્રક્રિયાને લઇને થનારાં બદલાવની રહેશે. હવેથી કોંગ્રેસ નેતાઓ માત્ર પોતાના પાર્ટી હેડક્વાર્ટરમાં બેસીને ઉમેદવારો નક્કી કરવાને બદલે, ભાજપની પેઠે ફિલ્ડ સ્તરેથી મળતાં પ્રતિભાવો આધારિત ચયન પ્રક્રિયાને અપનાવશે. ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી આવશે, તે પહેલાં બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના મહત્ત્વના રાજ્યોમાં પણ ચૂંટણીઓ આવશે. આ રાજ્યોમાં આ પદ્ધતિથી જ ઉમેદવારો નક્કી કરાશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ આ હેતુથી જ જમીનીસ્તરે કામ કરતા કાર્યકરો એટલે કે બ્લોક અને જિલ્લા લેવલના કાર્યકરોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. તેમના મંતવ્યો જાણીને જ ભવિષ્યમાં પ્રદેશ સંગઠનની નિયુક્તિ અને ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ગુજરાત પર નજર રાખવા માટે રાહુલના ત્રણ ખાસ વિશ્વાસુઓ કે.સી. વેણુગોપાલ, જૈરામ રમેશ અને અલંકાર સવાઈ અહીં નિયમિત આવતાં રહેશે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી વધુ અસરકારક બનીને આ નવી ત્રિપુટી કામ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને પણ આગળ કરશે. કોંગ્રેસ અધિવેશન બાદ પ્રિયંકા ગાંધીને પાર્ટીના સંગઠનમાં પણ મહત્ત્વનો હોદ્દો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *