ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાતના દસ જિલ્લામાં પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, રાજકોટમાં લલિત વસોયા, વડોદરામાં જશપાલસિંહ પઢિયાર અને અમરેલીમાં પ્રતાપ દૂધાતની નિમણૂક કરી છે, સાથે જ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની પણ રચના કરી છે, જેમાં 40 સભ્યનો સમાવેશ કર્યો છે.
જ્યારે જૂનાગઢમાં ભરત અમીપરા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ સોલંકી, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં 10 જિલ્લા પ્રમુખના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય શહેર અને જિલ્લાના પ્રમુખના નામની યાદી પણ જાહેર કરવામાં આવશે. આ અંગે તમામ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગમે ત્યારે બાકી રહેલા શહેર અને જિલ્લા પ્રમુખના નામ પણ જાહેર થશે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગત 26 નવેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા અને જિલ્લા સ્તરના સંગઠનના નામ જાહેર કરવા અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય થવાનાં બે જ સપ્તાહમાં કોંગ્રેસે પોતાની કમિટીની જાહેરાત કરી છે.