સિટી બસની સમસ્યાને લઈ કોંગ્રેસ દ્વારા મ્યુ.કમિશનરનો ઘેરાવ

રાજકોટનાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ વધારે સિટી બસ બંધ રાખવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે (3 મે, 2025) મ્યુ. કમિશનરનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિશનર ઓફિસમાં જ રમકડાંની સિટી બસો આપી વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયા હતા. આ તકે મ્યુ. કમિશનર ભાજપનું પીઠું હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવાયો હતો.

મ્યુ. કમિશનરને રમકડાંની બસો આપતા પોલીસ સાથે ઝપાઝપી પ્રાપ્ત વિગત મુજબ, આજે સિટિબસ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપા કમિશનરને ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનાં અગ્રણીઓ રમકડાની બસો લઈ મનપા કમિશનરની ઓફિસમાં દોડી ગયા હતા. સૌપ્રથમ આવેદન આપી કોન્ટ્રાક્ટરની સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ રમકડાંની બસો કાઢી કમિશનરનાં ટેબલ ઉપર મુકવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી આવી હતી. જેને લઈને કોંગ્રેસના આગેવાનો અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયા હતા. બાદમાં પોલીસ દ્વારા કોંગ્રેસનાં આગેવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ તકે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, આ રાજકોટ મનપાનાં કમિશનર ભાજપનાં પીઠું છે. ભાજપ કહે તેટલું જ કરે છે. સરકારે ખરીદેલી બસો માત્ર 45 ડિગ્રી તાપમાનમાં બંધ થઈ જાય છે. ત્યારે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. બસોમાં ખામી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને લઈને આજે આ બસો રમકડાં જેવી હોવાનું કમિશનરને ભાન કરાવવા માટે અમારા દ્વારા રમકડાંની સિટી બસો આપીને વિરોધ કરવામાં આવ્યો હતો. સિટી બસ સેવાનાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *